કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકારે અત્યાર સુધી જે નિર્ણયો લીધા છે તે તમામ ખેડૂત વિરોધી છે. જેથી ખેડૂતો બરબાદ થઇ ગયા છે. અનેક ખેડૂતોને આપઘાત કરવા પડ્યા છે’ તેમ શનિવારે ડીસા અને પાલનપુર ખાતે કિસાન હિત યાત્રા લઇને આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ છ એપ્રિલના રોજ રાજકોટથી કિસાન હિત યાત્રાનો આરંભ કર્યો હતો. આ યાત્રા ડીસા શહેરમાં શનિવારે આવી પહોંચતાં ભાજપના કાર્યકરો દ્રારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. આ યાત્રા મુખ્ય માર્ગો ફર્યા બાદ એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે સભા યોજાઇ હતી. ત્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ આર.સી.ફળદુએ કેન્દ્ર સરકાર પર અનેક નિશાનો તાક્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્રારા કપાસના નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ખાતર અને બિયારણના ભાવો પણ કેન્દ્રની સરકાર વધારી રહી છે.
જ્યારે શનિવારે સાંજે પાલનપુર ખાતે આવી પહોંચતાં તેનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂત વિરોધી સરકાર ગણાવીને ખેડૂતોના હિતના વિરોધમાં કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ, દૂધના પાવડર ઉપર પ્રતિબંધ મૂકી અને અનેક નકારાત્મક નિતીઓ અમલમાં મૂકી છે. જેથી ખેડૂતો બરબાદીના માર્ગે ઢસડાઇ રહ્યા છે.’
આર.સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં ખેતી મોંઘી પડી રહી છે. જેથી આ વિસ્તારના ખેડૂતોએ ખરીફ સીઝન પકવી નથી. એજ રીતે કપાસના નિકાસ ઉપરના પ્રતિબંધથી ગુજરાતના ખેડૂતોને R ૧૦ હજાર કરોડનું નુકસાન થયું છે. કોંગ્રેસના આવા જ નિર્ણયોના પગલે મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ ક્ષેત્રમાં એક સપ્તાહમાં આઠ ખેડૂતપુત્રો અને વર્ષમાં ૨૪ ખેડૂતોએ આપધાત કર્યા છે.’
ડીસા અને પાલનપુરમાં આવી પહોંચેલી યાત્રામાં રાધનપુરના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી, ચાણસ્માના ધારાસભ્ય રંજનીભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ કે.એસ.મોગરા, તાલુકા પ્રમુખ બાબુલાલ માળી, શહેર પ્રમુખ શશીકાન્તભાઇ પંડયા, કાનાભાઇ દેસાઇ, કિસાન મોરચાના પ્રમુખ મગનલાલ માળી, પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી, પાટણના અગ્રણી કે.સી. પટેલ, મહેસાણાના સાંસદ નટુજી ઠાકોર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
No comments:
Post a Comment